શનિવાર, 2 નવેમ્બર, 2013

જોઈ લેજે (ગઝલ)


ચીર વિશ્વાસના ફાટશે જોઈ લેજે
પારદર્શી ઘડો ફૂટશે જોઈ લેજે

થરથર્યો ઓરડાનો ઠઠારો ધરા શો
આગ એકાંતને લૂંટશે જોઈ લેજે

વાદળી ધારણાઓ સુકાઈ જશે ને
વાદળો વ્યાજમાં તૂટશે જોઈ લેજે

મૌનની ભીંતમાં ચેતનાને ચણી છે
એક દી પ્લાસ્ટર ફાટશે જોઈ લેજે
અભણ અમદાવાદી

શોધ મા [શેર]

શોધ મા શોર્ટ કટ કેડી લાચાર છે
ભાવિ છે ધૂંધળું માર્ગ બીમાર છે
અભણ અમદાવાદી
 

ગાલગા (ગઝલ)

ગાલગા
છંદ છે

કાવ્યધાર
યંગ છે

ચાસણી
સંગ છે

શબ્દમાં
રંગ છે

રાજવી
અંધ છે

ફૂંકવો
શંખ છે

છેડવો
જંગ છે

સંવિધાન
તંગ છે

કાયદો
રંક છે

યોજના
દંગ છે

હાટ કેમ
બંધ છે?

'પપ્પુ'ડો
'નંગ' છે
અભણ અમદાવાદી

આગ લાગી(ગઝલ)

વાદળોમાં આગ લાગી
લાજ છોડી લાજ ભાગી

વાદળોને ધરતીમાંથી
કોણ ભોગી કોણ ત્યાગી?

ટોચના તારા કહે છે
ઉંઘ ઉંઘી રાત જાગી

આંખ જલ્દી ખોલ તારા
ઊંબરાને ઠેસ વાગી

હું 'અભણ' છું શબ્દ ભૂખ્યો
ચોપડીઓ વાંચુ માગી
અભણ અમદાવાદી

પ્રેમતારો (ગઝલ)


પ્રેમતારો છે સહારો પ્રેમનો
ઝળહળે છે એક તારો પ્રેમનો

પ્રેમદીવાની કટોરો પી ગઈ
ક્યાં મળે આવો નજારો પ્રેમનો

સૂર્ય પશ્ચિમમાં ઉગ્યો છે જો અહીં
ચૂપ બેઠો છે લવારો પ્રેમનો

લગ્નને વિચ્છેદ છે બંને વમળ
બેય સાથે છે પનારો પ્રેમનો

વ્યોમ શો વિશાળને ભરચક છતાં
ખૂબસૂરત છે પથારો પ્રેમનો

અવદશા છે મૌન ચાડી ખાય છે
માર વેઠ્યો છે એક ધારો પ્રેમનો

પ્રેમ ઝંખે પ્રેમ ચાહે છે 'અભણ'
પ્રેમપૂર્વક કર વધારો પ્રેમનો
અભણ અમદાવાદી

માટલી કોણે ફોડી રે(ગીત)

કોણે ઢોળી
કોણે ફોડી
કોણે ઢોળી રે....માટલી કોણે ફોડી રે....

ખોટું ન બોલ તું કાનજી રે
તારું મોઢું ચાડી ખાય જી રે....
કોણે ફોડી
કોણે ઢોળી
કોણે ફોડી રે....માટલી કોણે ફોડી રે....

માટલીમાં કોણે બોળ્યું રે
માખણથી મોઢું ભરેલું રે
કોણે ઢોળી
કોણે ફોડી
કોણે ઢોળી રે....માટલી કોણે ફોડી રે....

બાંધી'તી ઉંચે માટલી રે
તો યે મારી માટલી ફૂટી રે
કોણે ફોડી
કોણે ઢોળી
કોણે ફોડી રે....માટલી કોણે ફોડી રે....

રંગ...બેરંગી માટલી રે
કાનાએ જાણીને ફોડી રે
કોણે ઢોળી
કોણે ફોડી
કોણે ઢોળી રે....માટલી કોણે ફોડી રે....
અભણ અમદાવાદી