સોમવાર, 14 મે, 2012

કવિનું ચિંતન-ચક્ર

આંખમાં આકાશ છે
પાંખને વિશ્વાસ છે
ટોચતો હું મેળવીશ
ગીત મારા ખાસ છે

લાગણીને ગીતોમાં
વ્યાકરણનો સાથ છે
ટોન સેમીટોન* ને
છંદ, લય સંગાથ છે

દૂધ જો ઉભરાય તો
ઠામ છોડી જાય છે
લાગણી ઉભરાય તો
તે ગઝલ થઈ જાય છે

ઘાવ કણસે તે પછી
પિંડ બાંધે છે ગઝલ
આંખમાંથી આંસુ નહીં
રોજ ટપકે છે ગઝલ

કર્મઘેલા શ્વાસને
આ અટલ વિશ્વાસ છે
રક્તભીની છે ગઝલ
આ ગઝલ કંઈ ખાસ છે

પ્રેમનાં ઇતિહાસને
ગીતમાં હું ઢાળું છું
લીલાછમ મમ ઘાવને
શબ્દોથી પંપાળું છું

આંસુ સૂકી આંખનાં
રંગ એવો લાવશે
બેવફાનું કાળજું
ગીત થઈ કંપાવશે

ગીત મારા સાંભળી
બેવફાની આંખમાં
આંસુ જ્યારે આવશે
ઘાવ થનગન નાચશે

બેવફાને પીડવી
જીંદગીનું લક્ષ્ય છે
દાખલો બેસાડવો
પ્રેમનું કર્તવ્ય છે

મૂળ સાથે વ્યાજ દઈશ
રૂપને શણગાર દઈશ
એક સામે ચાર ઘાવ
બેવફાને રોજ દઈશ

પણ 'અભણ' હું આખરે
વાત વિચારું એટલી
જુલ્મ પ્રેમી પર કરું (તો)
મારી કાઠી કેટલી?

દૂધમાંનો ઉભરો
જળથી ઉતરી જાય છે
માનવી પણ, વાતને
ક્યાંથી ક્યાં લઈ જાય છે

આંખમાં આકાશ છે.......

ટોન સેમીટોન= પશ્ચિમી સંગીતની ભાષામાં 
સ્વરો વચ્ચેના અંતરને બતાવવા માટે વપરાતા શબ્દ
અભણ અમદાવાદી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો