ભવ્યને સોહામણી યાદો લખાવે છે મને
ત્રસ્ત ઘાયલ ખીણ મનનાં ઘા બતાવે છે મને
એક જેવી, પીડ ખાટી વેઠવાના કારણે
ખેર, ટંડન, કૌલની પીડા રડાવે છે મને
ઢાકાની મલમલ સમા, ઇતિહાસમાં ડૂબી ગયેલ
બાળપણના તોતલા પાનાં રડાવે છે મને
ઝીણી કોતરણી મઢ્યા સુંદર શિકારા ક્યાં ગયા?
પ્રશ્ન પૂછી મનડું ચકરાવે ચડાવે છે મને
પ્રેમ ઘેલી, ભાવભીની આંખડીની ઝીલમાં
ડાલ શા ઊંડાણનાં દર્શન કરાવે છે મને
રેશમી હોઠોની નાદાની પછી તે, ગણગણી
તું રસીલી જાળમાં કાયમ ફસાવે છે મને
સોય, દોરા, વસ્ત્રને કે ખીણને સમજ્યાં વિના
સાંધવાની કોશિશો અઢળક હસાવે છે મને
ભાવમાં ધરખમ વધારો થાય છે જ્યારે 'અભણ'
હાથની કારીગરી ટીકો બનાવે છે મને
અભણ અમદાવાદી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો