સ્વપ્નને સાકાર કરવાની કળા ગુજરાત જાણે છે
માટે આજે નર્મદાના નીરને સાબરમાં વહાવે છે............સ્વપ્ન
આંધી કે તોફાન કે વરસાદ કે હો રેત ધગધગતી
સંકટોથી બાથ ભીડીને ચરણ આગળ ધપાવે છે
લક્ષ્ય મોટાં કોઈ દિ' સહેલાઈથી મળતા નથી જગમાં
ઠેસ અઢળક વાગે તોપણ ગુરુશિખર પર જઈને આવે છે..સ્વપ્ન
જન્મ પામે છે અહીં વનરાજને સરદાર, ગાંધી જે
રાષ્ટ્રનાં નિર્માણ માટે જાનની બાજી લગાવે છે
શૂન્ય, પ્રેમાનંદ, અખો, નરસિંહ,કલાપી, કાન્ત કે શામળ
ગીત, ગરબા, છપ્પા, દુહાને ગઝલ-ગંગા વહાવે છે........સ્વપ્ન
આ ધરાના માનવી જ્યાં જાય છે વસવાટ માટે ત્યાં
ઓગળે છે ખાંડ થઈને દુધને ગળ્યું બનાવે છે
કાનુડાએ આ ધરા પર દ્વારકા નગરી વસાવી છે
આ ધરાનો જાદુ અદ્ભુત કહાનને જે ખેંચી લાવે છે.........સ્વપ્ન
ગુર્જરો ઝંખે સફળતા આ જીવનમાં ડગલેને પગલે
ગુર્જરોની હામને દુનિયા સદીયોથી વખાણે છે
વિશ્વની ગુજરાતના વિકાસપથ પર છે નજર આજે
ગુર્જરો આ વિશ્વને વેપારની કેડી બતાવે છે.................સ્વપ્ન
અભણ અમદાવાદી