સોમવાર, 9 જુલાઈ, 2012

ગુરુમંત્ર

એક ઘટના સદીઓથી ઘટતી આવી છે
કવિએ પણ એ જ રીત અપનાવી છે
જ્યારથી નિષ્ફળતાને ગુરુ બનાવી છે
સફળતા સામા પગલે મળવા આવી છે...એક

અવસર આપ્યાં છે નિષ્ફળતાએ
મુજને એકલતામાં સ્વ ચિંતનનાં
સાંભળેલું સત્ય સાબિત થયું કે
વ્યકિત પર રંગ ચડે છે મથનનાં....એક

એકલતાના કિનારે વિચરતો રહ્યો
જાણે કે કુંભારનું કામ કરતો રહ્યો
ચિંતનનાં ચાકડે વિચારોને હું
ઘડાની જેમ સર્વ પ્રકારે ઘડતો રહ્યો...એક

સ્વ ચિંતનની વિશ્વ ચિંતનથી
તુલના સદાય કરતો રહ્યો
વિચારોને જેમ જેમ કસતો રહ્યો
ચિંતન ક્ષિતિજે વિસ્તરતો રહ્યો....એક

મનમાં આશાનો દીવડો પેટાવી
નિષ્ફળતાને ચિંતનથી સજાવજો
નિષ્ફળતા એ જીવનનો અંત નથી
નિષ્ફળતાથી મોટો કોઈ 'ગુરુમંત્ર' નથી
અભણ અમદાવાદી

પ્રણય

નજર નજરમાં મુલાકાત છે
નયન નયનમાં જુદી ભાત છે

ગગન સંગ ધરા થઈ મસ્ત કે
અરુણિમ મન છે મધુરાત છે

ધ્વનિ તરંગ બને મદીલી સદા
અજબ ગજબ આ સનેપાત છે
નસ નસ સઘળી થઈ ગાયિકા
પ્રણય સરગમે સ્વરો સાત છે

સનનન શર થી મને વીંધ તું
નરમ બદનને મધુ ઘાત છે

યુગ યુગ નિરખ્યાં મળ્યું સત્ય આ
મન મલિન બને પછી પાત છે
અભણ અમદાવાદી

મંગળવાર, 19 જૂન, 2012

કલરવ [ગીત]




કલરવ [ગીત]
કલરવ કરતી કામણગારી કામિનીની કંચન કાયા
મનમાન્યો માણીગર માણે માનુનીની માદક માયા.... ...કલરવ

કેડે ઝૂલે કંદોરો ને મસ્તક પર સોનેરી ટીકો
દર્પણનો શણગાર જોઇને ગોરી મીઠું રે મલકાયા...........કલરવ

સ્વર્ણલતા શી દેહલતાને પુષ્પલતા શી માદક ખુશ્બૂ
ફૂલો પર ફાગણ મ્હોર્યો તો ભમરાઓનાં મન લલચાયાં.. કલરવ

પ્રેમાલિંગન પામી પારસ પુતળીનું પાવન પદ પામ્યો
લજ્જા લાલી પથરાઈ રે ગાલો પર ગોરી લજવાયાં....... કલરવ 


મખશાળામાં મટકી ફૂટી માખણ નીતર્યું મઘમઘતું રે
મઘમઘતી મનમોહીનીનાં મદનાતુર મધુફળ મસળાયાં...કલરવ .

રસશાળામાં રસહેલીની ઝરમર ઝરમર થઇ રંગીલી
રસક્રીડાનો શ્રાવણ વરસ્યો રસનાં વાદળ સૌ છલકાયા....કલરવ

લીલુંછમ છે પાનેતરને લીલાછમ છે સાજન સજની
સાજન સજનીનાં સંગમથી વંશોનાં સંગમ સર્જાયા.......કલરવ
અભણ અમદાવાદી    

બુધવાર, 13 જૂન, 2012

ક્યાં મળે છે?(ગઝલ શાલિની છંદ)

પારેવાં શા, માનવી ક્યાં મળે છે?
આજે સાદા, મ્હારથી ક્યાં મળે છે?

શોધી શોધી, લોથ હું થૈ ગયો છું
ફૂટે ના એ, માટલી ક્યાં મળે છે?

માપે સાચી, રીતથી માણસોને
સાચા બોલી, માપણી ક્યાં મળે છે?

જોઈ રંગો, ફૂલને પૂછવું છે
ક્યાંથી લાવ્યા, તાજગી ક્યાં મળે છે?

કોઈ આપી, નૈ શકે રે જવાબ
પૂછો મા ભૈ, ખાતરી ક્યાં મળે છે?
અભણ અમદાવાદી

સોમવાર, 21 મે, 2012

સાળી


સ્વપ્ન માં મેં ઘટના અદ્ભુત ભાળી છે
માધુરી જૂહી 'અભણ'ની સાળી છે

રાજી થાઉં રૂપનાં દર્શન કરી
ચોળીને પાલવમાં ઝીણી જાળી છે

કાનુડાનું નારી વર્ઝન લાગે છે
કાળી કામણગારીને નખરાળી છે

આવે ત્યારે મહેકે છે વાતાવરણ
યાર એ સાળી છે કે વરિયાળી છે

છાંટું છું હું હોળી પર ગમ્મત ગુલાલ
જો કે મર્યાદા ય એની પાળી છે

અડધી ઘરવાળી ના જોઈયે હવે
આજથી ઘરવાળી બમણી સાળી છે
અભણ અમદાવાદી

સોમવાર, 14 મે, 2012

કવિનું ચિંતન-ચક્ર

આંખમાં આકાશ છે
પાંખને વિશ્વાસ છે
ટોચતો હું મેળવીશ
ગીત મારા ખાસ છે

લાગણીને ગીતોમાં
વ્યાકરણનો સાથ છે
ટોન સેમીટોન* ને
છંદ, લય સંગાથ છે

દૂધ જો ઉભરાય તો
ઠામ છોડી જાય છે
લાગણી ઉભરાય તો
તે ગઝલ થઈ જાય છે

ઘાવ કણસે તે પછી
પિંડ બાંધે છે ગઝલ
આંખમાંથી આંસુ નહીં
રોજ ટપકે છે ગઝલ

કર્મઘેલા શ્વાસને
આ અટલ વિશ્વાસ છે
રક્તભીની છે ગઝલ
આ ગઝલ કંઈ ખાસ છે

પ્રેમનાં ઇતિહાસને
ગીતમાં હું ઢાળું છું
લીલાછમ મમ ઘાવને
શબ્દોથી પંપાળું છું

આંસુ સૂકી આંખનાં
રંગ એવો લાવશે
બેવફાનું કાળજું
ગીત થઈ કંપાવશે

ગીત મારા સાંભળી
બેવફાની આંખમાં
આંસુ જ્યારે આવશે
ઘાવ થનગન નાચશે

બેવફાને પીડવી
જીંદગીનું લક્ષ્ય છે
દાખલો બેસાડવો
પ્રેમનું કર્તવ્ય છે

મૂળ સાથે વ્યાજ દઈશ
રૂપને શણગાર દઈશ
એક સામે ચાર ઘાવ
બેવફાને રોજ દઈશ

પણ 'અભણ' હું આખરે
વાત વિચારું એટલી
જુલ્મ પ્રેમી પર કરું (તો)
મારી કાઠી કેટલી?

દૂધમાંનો ઉભરો
જળથી ઉતરી જાય છે
માનવી પણ, વાતને
ક્યાંથી ક્યાં લઈ જાય છે

આંખમાં આકાશ છે.......

ટોન સેમીટોન= પશ્ચિમી સંગીતની ભાષામાં 
સ્વરો વચ્ચેના અંતરને બતાવવા માટે વપરાતા શબ્દ
અભણ અમદાવાદી

બુધવાર, 9 મે, 2012

મસાણ-ગોષ્ઠી

      રામ બોલો ભાઈ રામ પોકારતું ડાઘુઓનું ટોળું સ્મશાનમાં દાખલ થયું. ટોળાને જોઈ ત્યાં હાજર છગન છટકેલો, રાજુ રખડેલો અને ભમી ભૂલકણો ટોળા પાસે પહોંચ્યા. રાજુએ ડાઘુઓના આગેવાન શિવભાઈ અને મૃતકનાં પરિવારજનોને માહિતી આપી કે તમે જણાવેલી વ્યવસ્થા થઇ ગઈ છે. પણ સ્મશાનમાં 'વેઈટીંગ' છે. ચાર ઠાઠડીઓ ઓલરેડી રાહ જોઈ રહી છે! બધી ચિતા-સ્ટેન્ડો 'ફૂલ' છે. આપણો નંબર પાંચમો છે. રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ ન હોવાથી ઠાઠડીને એક ઠેકાણે વ્યવસ્થિત મુક્યા પછી  ડાઘુઓ જ્યાં જગ્યા મળી ત્યાં ગોઠવાવા માંડ્યા.છગન રાજુ અને ભમી પણ એક ખૂણે જઈને બેઠા અને વાતોએ વળગ્યા.
      ભમી વાત શરુ કરતા બોલ્યો "તમને નથી લાગતું આજે જયારે સર્વત્ર વિકાસનો પવન ફૂંકાઈ રહ્યો છે. સરકારે સ્મશાનોને પણ વિકસિત કરવા જોઈએ. મોટા અને અધતન બનાવવા જોઈએ"
      ભમીની વાત સાંભળી રાજુએ આમતેમ નજર ફેરવી. એને તૂટેલા બાંકડા, નળ,જર્જર છાપરું, ટોઇલેટનો તૂટેલો દરવાજો દેખાયા. બધા પર એક નજર નાંખી એણે વાતમાં સુર પુરાવતા કહ્યું "હા...હોં..... આજે જયારે ઓવરબ્રિજ, હાઈરાઈજ ટાવર, વિશાલ પહોળા રસ્તા, કૌભાંડો,મંત્રી-મંડળો બધું જ જયારે મોટા પાયે થઇ રહ્યું છે ત્યારે સ્મશાન નાનાં અને અવિકસિત કેમ?"
      ભમીની વાત સાંભળી રાજુની જેમ છટકેલાએ પણ નજર ફેરવી હતી. એની નજર 'ઈલેક્ટ્રીક ભઠ્ઠી બંધ છે' લખેલા બોર્ડ પર પડી હતી. રાજુ પછી એ પણ ચર્ચામાં કુદ્યો." અરે યાર છે એ સગવડ ચાલુ રહે તોય બહુ છે. જો કે આમ જોવા જઈએ તો તમારી વાત સાચી છે. આજે 'મરવા માટેની સગવડો' વધી રહી છે. ત્યારે બળવા માટેની સગવડો ય વધવી જોઈએ ને!
ભમીએ પુછ્યું "મરવા માટેની સગવડો?"
       છગન બોલ્યો "લે ખૂના-મરકી, કોમીહુલ્લ્ડો, હત્યાઓ, રોડ અકસ્માતો, હીટ એન રન, આતંકવાદી હુમલા, બોમ્બ વિસ્ફોટો, મિલાવટી ખાદ્ય પદાર્થો, વગેરેના કારણે મૃત્યુ આંક વધી રહ્યો છે. આ બધી મરવા માટેની જ સગવડો છેને! મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યો છે ત્યારે સ્મશાનમાં અગ્નિ-સંસ્કાર જલ્દી થાય થાય એવી વ્યવસ્થા કરવી જોઈએ કે નહિ? અહીં તો છે એ વ્યવસ્થા પણ કામ નથી કરતી."
       રાજુ બોલ્યો "એક સાથે વધારે મૃતદેહોના અગ્નિસંસ્કાર થઇ શકે માટે સરકારે નક્કર પગલાં ભરવા જોઈએ. આસપાસની જમીન સંપાદિત કરી સ્મશાનને વિશાળ અને આધુનિક બનાવવા જોઈએ. ચિતા-સ્ટેન્ડોની સંખ્યા વધારવી જોઈએ. જેથી મૃતદેહોએ બળવા માટે રાહ ના જોવી પડે....
      છટકેલો દર્દ સભર અવાજમાં બોલ્યો "અરેરેરે... માણસે જીવનભર રાશન, નોકરી, રેલ્વે કે બસ ટીકીટ, દીકરા-દીકરીના એડમિશન માટે લાઈનમાં ઉભા રહ્યાં પછી બળવા માટે ય લાઈનમાં લાગવાનું? અરેરેરે કેવો જમાનો આવ્યો છે! કેવી ભયંકર પરિસ્થિતિ છે."
      ભૂલકણો ડાધુઓની સમસ્યા પર પ્રકાશ પાડતાં બોલ્યો " જરા ડાઘુઓનો વિચાર કરો. ઘેરથી નીકળ્યા ત્યારે હતું કે, બે કલાકમાં ફ્રી થઇ જઈશુ. પણ હવે ચાર કલાક પહેલા ફ્રી નહિ થવાય.જો વધારે ચિતા-સ્ટેન્ડ હોત તો ડાઘુઓનો અનમોલ સમય ના બગડત. આતો આપણા સમાજનાં લોકો રોકાય છે બાકી ઘણા સમાજનાં લોકો આપણી જેમ છેક સુધી નથી રોકાતા"
      છટકેલાએ  એ પુછ્યું "આપણે કેમ રોકાઇયે છીએ?"
      રખડેલાએ ખુલાસો કર્યો "ચિતા કે મૃતદેહ સાથે ચેડાં ના થાય માટે અને મૃતકના પરિવારજનો એકલવાયા ના થઇ જાય માટે"
      ભૂલકણો બોલ્યો " અને આજ કારણોસર કથિત આધુનિક વિચારોવાળા લોકો આપણને રૂઢીચુસ્ત માને છે."
      છટકેલો ભૂલકણાના સમર્થનમાં વ્યંગભર્યા અંદાજમાં  બોલ્યો " આધુનિક લોકો આપણી જેમ સમયનો બગાડ નથી કરતા. તેઓ પ્રાઈવેસીને વધારે મહત્વ આપે છે. ચિતા સળગ્યા પછી એ લોકો મૃતદેહને બળવા માટેની અને પરિવારજનોને 'જોવા' માટેની પ્રાઈવેસી આપવા માટે રવાના થઇ જાય છે."
      રખડેલો વાતને પાછી વિકાસના હાઇવે પર લાવવાના ઈરાદે બોલ્યો " રશનાં કારણે અત્યારે કેટલા બધા લોકો ઉભા કે ગમે ત્યાં બેઠા છે. સરકારે કમ સે કમ બાંકડાઓની સંખ્યા તો વધારવી જ જોઈએ. અહીં વૃક્ષો પણ વાવવા જોઈએ. જેથી સ્મશાન 'હરિયાળું' બને."
      છટકેલો બોલ્યો "અરે હું તો કહું છું લત્તે લત્તે સ્મશાન બનવા જોઈએ.  દરેક એરિયામાં જો કરિયાણાની દુકાન, હોસ્પિટલ, મેડીકલ સ્ટોર, દવાખાનું, આઈસક્રીમ પાર્લર, ટ્યુશન ક્લાસ અને ઓટો ગેરેજ હોઈ શકે તો સ્મશાન કેમ નહીં?
      છટકેલાની વાત પૂરી થઇ ત્યાં  શિવભાઈની બુમ સંભળાઇ "એ ચાલો,આપણો નંબર લાગી ગયો." બુમ સંભાળી ત્રણે ઉભા થઇ રવાના થયાં.
      રવાના થતાં થતાં છટકેલો બબડ્યો " આમે'ય આ દુનિયા એક મોટું સ્મશાન જ બની ગઈ છે ને. જ્યાં  રો........જ લાખો લોકો ઈર્ષ્યા, સ્પર્ધા, હુંસાતુંસી, દ્વેષ અને સ્ટ્રેસની ચિતામાં બળી રહ્યા છે."


તા.૨/૧૧/૧૨ ના રોજ દૈનિક 'જયહિન્દ'માં છપાયેલી મારી કટાક્ષિકા

અભણ અમદાવાદી