ગુરુવાર, 15 નવેમ્બર, 2012

કવિતા કહે છે

શબ્દોના આડા ઊભા સરવાળાને લોકો કવિતા કહે છે
ખુલે નહીં એવા અર્થોના તાળાને લોકો કવિતા કહે છે
અભણ અમદાવાદી

તકદીર છે

 
 ગુલ પાંખડી સમ આંખડી મુજને જુએ તકદીર છે
કમનીય આ નયનો જુઓ કવનો રચે તકદીર છે

હળવાશ આ કુમળાશ આ તમને મળી તમને ફળી
ગુલ છો તમે પણ ભૂલતા નહીં મોખરે તકદીર છે

તુજ સાધના ફળ પામવા મથતી રહી પણ ના ફળી
ધર ધીર હીંમત રાખ તું બદલાય છે તકદીર છે

લજવે કદી પજવે કદી પરખે કદી પડખે કદી
નખરા સહે લટકા કરે ઝટકા ખમે તકદીર છે

તલવારથી તકદીરના ફરમાનને બદલાય નહીં
ઢગલો ચલણ ખર્ચો છતાં પણ ના મળે તકદીર છે

ગરકાવ મન થઈ જાય છે અવકાશના ઉંડાણમાં
વિચરે પછી મનમાં સવાલો કોણ એ તકદીર છે
અભણ અમદાવાદી

ક્યાં મળે છે?[ગઝલ, શાલીની છંદ માં]

ક્યાં મળે છે
(ગઝલ - શાલિની છંદ માં)

પારેવાં શા, માનવી ક્યાં મળે છે?
આજે સાદા, મ્હારથી ક્યાં મળે છે?

શોધી શોધી, લોથ હું થૈ ગયો છું
ફૂટે ના એ, માટલી ક્યાં મળે છે?

માપે સાચી, રીતથી માણસોને
સાચા બોલી, માપણી ક્યાં મળે છે?

જોઈ રંગો, ફૂલને પ્રશ્ન પૂછ્યો
ક્યાંથી લાવ્યા, તાજગી ક્યાં મળે છે?

કોઈ આપી, ના શકે આ જવાબ
ના પૂછો કે, ખાતરી ક્યાં મળે છે?
અભણ અમદાવાદી

હળવું મુક્તક

છંદને તેલ લેવા મોકલી દીધાં
ભાવને ભેળ ખાવા મોકલી દીધાં
પોથીનો ભાર હળવો કરવા માટે
પાનાને ગેલ કરવા મોકલી દીધાં
અભણ અમદાવાદી

કિનારો


વેદનાને સમજનો કિનારો જરૂરી છે
ફૉલ, સાડીની સાચવણી માટે જરૂરી છે
અભણ અમદાવાદી

ફાળ

ભૂખ્યા પેટે ફાળ પડી છે
ચૂલાએ હડતાળ કરી છે

બળતણ રાજી રાજી થઈ ગ્યું
ચૂલાએ હડતાળ કરી છે


બે બોલાવ્યાં બાર આવ્યા છે
પાણી જેવી દાળ કરી છે

અઢળક મીઠું નાંખીને મેં
પાણી પ્હેલાં પાળ કરી છે

આલુ કાંદા સડવા દો ને
નેતાઓએ જાળ વણી છે

ક્યાંથી પામે ભોજન સઘળા
ચૂંથાયેલી જાળવણી છે

માંગ્યા જ્યારે હક અધિકાર
મસમોટી બે ગાળ મળી છે

વાણીના વન કરમાયા છે
બીજોની બહુ ખોટ પડી છે

લેબલ વ્હાલાં દવલાંના એ
સંબંધોની ફાળવણી છે
અભણ અમદાવાદી

રણકાર

વાદ્ય છું રણકાર છું
નાદનો અવતાર છું
લાગણીને રાગમાં
ગૂંથી દઉં સિતાર છું
અભણ અમદાવાદી

હાજરી

આવડી અમથી છે વાત, સૂર્ય દૂર છે હું પાસે છું
રાતે શોધ્યો ના જડે તે, મારી હાજરી સળંગ છે
અભણ અમદાવાદી

સોમવાર, 12 નવેમ્બર, 2012

લલચાય નહીં

મારી કલમ કદી અભડાય નહીં
ખનખનથી કદી લલચાય નહીં
અભણ અમદાવાદી

છેલ્લો સહારો


છેલ્લો સહારો આ વહાણ છે
યાદો સઘળી લોહીલુહાણ છે
પાછળ છોડી દીધી માતૃભૂમિ
આગળની આશા સંજાણ છે
અભણ અમદાવાદી

દિલના ટુકડા


દિલના ટુકડા થયા ગીત રચાયું
ટુકડા કણસ્યા ને સંગીત રચાયું
અભણ અમદાવાદી

આંસુડા

જ્યારે જ્યારે તારા આંસુડા મારી આંખથી ટપકે છે
ધરતીની પીડા આકાશમાંથી વાદળ થઈને વરસે છે
અભણ અમદાવાદી

ચમેલી

ચૂલા પર તપેલી છે
તપેલીમાં ચમેલી છે
તપેલીમાં ઉકળીને
નિખરી રહી ચમેલી છે
અભણ અમદાવાદી

ચલક ચલાણું


પાંચ પતિઓ વચ્ચે વહેંચાઈ
સ્ત્રી છું કે હું ચલક ચલાણું છું
અભણ અમદાવાદી

શનિવાર, 10 નવેમ્બર, 2012

કાંટો

માન્યું કે કાંટો છું હું મહેક ફેલાવી શકું નહીં
ફૂલોનો સાથી છું પણ દિલમાં વસી શકું નહીં
કાંટાનું કદી'ય હોતુ નથી ભમરા જેવું નસીબ
ભમરા કરતા વધારે રહું છું ફૂલોની કરીબ
જીવનભર કાંટા સિવાય બીજું શું છે મળતું
કરુ છું હું ય વફા સત્ય આ કોણ છે કળતું
જેનો પકડું છું પાલવ હું કદી છોડતો નથી
પાલવ જ કદી કોઈ નો મારી ટકતો નથી
અભણ અમદાવાદી

ઝાંઝવા

માછલી આવે અને ડૂબે અહીં એવો
ઝાંઝવાને પણ અભરખો હોય છે

પળના ઉંડાણમાં વિસ્તરી તો જુઓ
પળમાં વિરાજમાન સદીઓ હોય છે

રૂપના નખરાંને જીવન બક્ષનાર
અલબેલો એક ભમરો હોય છે

અડપલા કરશો મા કુદરત સંગ
ભૂકંપ એ કુદરતનો છણકો હોય છે

પંજો કમળ સાયકલ કે પછી ફાનસ
દરેકના વિજયમાં છબરડો હોય છે

થઈ ધાર બુઠ્ઠી માસ્ટરના બેટની
વય આખરે તો ભમરડો હોય છે
પ્રથમ પંક્તિ અન્ય કોઈ કવિની છે નામ યાદ નથી બાકીની મારું સર્જન છે
અભણ અમદાવાદી

અસર છે શરાબની (મંજુ ભાષિણી)

ભરયૌવને, નજર છે શરાબની
શમણાલયે, અસર છે શરાબની

મટતી નથી, તરસ આ દીદારથી
મન આશ છે, અધરના શરાબની

ભમરો ફરે, પ્રણયના વહાણમાં
મળતી મજા, સફરમાં શરાબની

મદિરા સમી, સનમ જાણવા મથે
"મુજ નેણમાં, અસર છે શરાબની"

શમણાં હવે, 'અભણ'ની શરાબ છે
ફળશે સદા, અસર આ શરાબની

મધુરી ઘડી, નયનથી સ્વીકારની 
પળમાં હતી, મધુરતા શરાબની
અભણ અમદાવાદી

ચરણો(પ્રમિતાક્ષરા છંદ)

ફળશે સદા સુમતિનાં ચરણો
ચડશે સદા પ્રગતિનાં ચરણો

(નીચેની બે પંક્તિઓ કલ્પના ચાવલાને સમર્પિત છે)
પતિદેવ છે સકળ વાત જુની
પતિથી વિરાટ સતીના ચરણો

મદમસ્ત આ અવસરો રસનાં
વરસે રસિક રતિનાં ચરણો


ચડતા રહે શિખરને ડુંગરો
સદ્ગુણની કીર્તિનાં ચરણો

કડવાશ છે કુમતિ આ સમઝો
ફળતા નથી કુમતિનાં ચરણો

પળ વિસ્તરી શતક રૂપ ધરે
મળશે ઘણા પ્રગતિના ચરમો
અભણ અમદાવાદી

પ્રિય કવન (શશીકલા છંદ)

ચલ સનમ ચલ, ફુરસદ પળ મળી
ચલ સનમ ચલ, ફુરસદ પળ મળી
પ્રિય કવન રચ, ફુરસદ પળ મળી
ચલ સનમ ચલ, ફુરસદ પળ મળી

અગન અંગ અંગ, ચિતવન ખળભળે
દહન રગ રગ, બરફ પવન મળે
તરસ અરુણિમ, સકળ બદન બળે
ચલ સનમ ચલ, ફુરસદ પળ મળી


રસ મધુર ફળ, પટ ઝટપટ મળે
સતત નખભર, કર મરદન કરે
રસિક અવસર, રસ નવરસ ભળે
ચલ સનમ ચલ, ફુરસદ પળ મળી

સતત અવિરત, અવર જવર કરે
તન વિલય થઇ,અવયવ મઘમઘે
મિલન રસભર, અનહદ રસ ઝરે
ચલ સનમ ચલ, ફુરસદ પળ મળી

સરરર સરર, રસ દડદડ ઝરે
મન જગત નભ, જગમગ ઝળહળે
મદન અનુપમ, 'અભણ' સનમ કહે
ચલ સનમ ચલ, ફુરસદ પળ મળી
અભણ અમદાવાદી


ગુરુવાર, 8 નવેમ્બર, 2012

પ્રણય તારો પાંડિત્ય મારું

સનમ પ્રણય તારો શબ્દ પાંડિત્ય મારું
કથન કવન મારું લાવ્યું પાવિત્ર્ય તારું

પવન અગન સૌની છે તપી આગમાં તું
સુખ દુખ ઘડવૈયા રચ્યું ચારિત્ર્ય તારું

ગઉ ઉદર તું ઠારે ભિક્ષુકોને જમાડે
ધરમ કરમ જાણે એવું આતિથ્ય તારું

કઠણ સમયગાળો છે મહેમાન તારો
મન દરપણમાં મેં જોયું કારુણ્ય તારું

કુમક રુદનની છે કૂચ રોકાય શાથી?
સરવર તટ તોડી વહ્યું પ્રાગટ્ય તારું

ચરણ કમળ તારા ના જુએ રાત કે દી'
લડત અમર તારી જાણ્યું સાતત્ય તારું

શિખર પર તું જે છે મળ્યું છે સાધનાથી
જગ સંગ પગ મૂકી ચાલ્યું તારુણ્ય તારું

'અભણ' સફર રુડીને રળિયામણી છે
કવન રસ ગુલાબી માણ્યું સાહિત્ય તારું
અભણ અમદાવાદી

ફેરીયો

હું છું એક ફેરીયો
નાનકડો કવિ ફેરીયો
માલ વેચું હરી ફરીને
પેટ ભરું છું ફરી ચરીને...હું છું

વેપારી છું લાગણીઓનો
અકળ મનની માગણીઓનો
વેપારી છું ફૂલોનો ને
કવિતાનો ને શબ્દોનો...હું છું


કરમ મારુ છે લખવાનું
શબ્દથી સેતુ રચવાનુ
વેલા છોડ સિંચવાનું
ફૂલોને વહેંચવાનું...હું છું

વ્યક્તિને ગુણ દોષથી માપુ
લાગણીઓને શબ્દો આપુ
શમણાની માળા પરોવુ
સૌને શબ્દોથી મનાવુ...હું છું

માલ ઘણો છે મારી પાસે
રચી રહ્યો છું શ્વાસે શ્વાસે
છંદો ગઝલોને કવિતા
શબ્દોની વહાવુ સરિતા...હું છું
અભણ અમદાવાદી