બુધવાર, 31 જુલાઈ, 2013

છટકો હવે

 
ભીંત પર ફોટો બની લટકો હવે
ચક્ર પૂરું થઈ ગયું છટકો હવે

સાધનોના થીગડા માર્યા પછી
ઘર બન્યું છે રૂપનો કટકો હવે
...
ભોગવો છે ચાતર્યો ચીલો તમે
શૂળ થઈને આંખમાં ખટકો હવે

રેલવેને રોડ પર હાંક્યા પછી
રાજીનામાનો સહો ઝટકો હવે

ચેતવ્યાં'તા પણ તમે માન્યા નહીં
છો કનક તો શું થયું બટકો હવે
અભણ અમદાવાદી

 

ગુરુવાર, 25 જુલાઈ, 2013

શ્વાસમાં રંગોળી



કેસરી શ્વાસમાં સૂર્ય ઊગી ગયો
રસની રંગોળીમાં રંગ પૂરી ગયો

વાદ્યને મન મુકીને વગાડો કહી
તાલના ઘેનમાં તાર ડૂબી ગયો

શુક્રના માર્ગદર્શન મુજબ ચંદ્રમા
રાસ ગરબાની મસ્તીમાં ઝૂમી ગયો

સાત ઘોડાના રથ પર થઈને સવાર
મોરલો આભમાં દૂર સુધી ગયો

આખરે પૂર્ણતા પ્રાપ્ત થઈ પ્રેમને
શ્વાસના નૃત્યનો શ્વાસ છુટી ગયો
અભણ અમદાવાદી
See more

થાય છે


શબ્દ જ્યાં પોંખાય છે
તૃપ્તિ ત્યાં છલકાય છે

પંચતત્વો પર જુઓ
કોરડા વીંઝાય છે

બાવડાને બુદ્ધીથી
વાવટા ખોડાય છે

વીજળીની ધાકથી
તીર પણ ગભરાય છે

વારિ ના પોષણ વિના
વાદળા કરમાય છે

સૂર્યના સંકેત પર
વ્યોમ ફંગોળાય છે

વેણ વાંકા સાંભળી
વેદના વીંધાય છે

ચુંટણીના મંચ પર
નાટકો ભજવાય છે

શબ્દ પૂછે મૌન ને
કેમ તું ગભરાય છે

બાટલી ઊભરાય તો
બૂચ તૂટી જાય છે

પંચની સામે જતાં
ફાઇલો શરમાય છે

ચુંટણીના વાયદા
ફૂલ શા કરમાય છે

ચુંટણીના અવસરે
નાટકો શરમાય છે
અભણ અમદાવાદી

જણાવે છે મને



ભવ્યને સોહામણી યાદો લખાવે છે મને
ત્રસ્ત ઘાયલ ખીણ મનનાં ઘા બતાવે છે મને

એક જેવી, પીડ ખાટી વેઠવાના કારણે
ખેર, ટંડન, કૌલની પીડા રડાવે છે મને

ઢાકાની મલમલ સમા, ઇતિહાસમાં ડૂબી ગયેલ
બાળપણના તોતલા પાનાં રડાવે છે મને

ઝીણી કોતરણી મઢ્યા સુંદર શિકારા ક્યાં ગયા?
પ્રશ્ન પૂછી મનડું ચકરાવે ચડાવે છે મને

પ્રેમ ઘેલી, ભાવભીની આંખડીની ઝીલમાં
ડાલ શા ઊંડાણનાં દર્શન કરાવે છે મને

રેશમી હોઠોની નાદાની પછી તે, ગણગણી
તું રસીલી જાળમાં કાયમ ફસાવે છે મને

સોય, દોરા, વસ્ત્રને કે ખીણને સમજ્યાં વિના
સાંધવાની કોશિશો અઢળક હસાવે છે મને

ભાવમાં ધરખમ વધારો થાય છે જ્યારે 'અભણ'
હાથની કારીગરી ટીકો બનાવે છે મને
અભણ અમદાવાદી