રાધા સમો પ્રેમ કાનાને કરે છે વાંસળી.
ચૂમી અધર કા'નનાં વામાં ફરે છે વાંસળી.
અમરત સમું અન્ય પીણું હોય જગમાં તો કહો,
સરગમ સુધાનાં સ્વરુપે નિત ઝરે છે વાંસળી.
આરાધના જો કરો તમ શ્વાસથી તો શ્વાસને
માની સજન પ્રેમિકા પોતે ઠરે છે વાંસળી.
ઊધારનાં શ્વાસને ખુદમાં રમાડીને પછી:
મદમસ્ત સરગમ રચી મનડું હરે છે વાંસળી.
એકાંતમાં સૂર રેલાવી પ્રણયની યાદનાં;
એકાંતનાં ભારને હળવો કરે છે વાંસળી.
નિજ ખોડને જે બનાવે યોગ્યતા યોદ્ધો છે તે;
આ વાત છે સત્ય, આ સાબિત કરે છે વાંસળી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો