સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ
ઈંટનું ટોળું વળ્યું તો ભીંત થઈ
અનિલ ચાવડા
કવિએ મત્લામાં સંપના મહત્વની રજૂઆત કરી છે. સંપ,સંગઠન અને એકતા હોય ત્યાં મજબૂતી, વિકાસ અને પ્રગતિ હોય છે. એક બહુ જૂની વાર્તા માં; એક લાકડીને તોડવી સરળ છે પણ લાકડીનો ભારો તોડવો મુશ્કેલ છે એવો સાર છે. એ સાર થી મેળ ખાતો પ્રસંગ રજૂ કરી કવિએ સંપનું મહત્વ સમજાવ્યું છે.આ રજુઆત પંચતત્વોમાંથી એક માટી નાં વિકાસનાં વિવિધ તબક્કા દર્શાવીને કરી છે. વિખરાયેલી માટી સંગઠીત થાય તો ઈંટ બને છે, ઈંટ સંગઠીત થઈ ભીંત બને છે. માનવી માટે માટીને રગદોળવી સરળ છે, ઈંટ તોડવી થોડું કપરુ કાર્ય છે: જ્યારે ભીંત તોડવી વધારે મુશ્કેલ કાર્ય છે. આ મુદ્દાને આ વિચારને રાષ્ટ્રનાં સંદર્ભમાં આ રીતે રજૂ કરી શકાય કે ગામોથી તાલુકો, તાલુકાથી જિલ્લો, જિલ્લાથી રાજ્ય અને રાજ્યોથી રાષ્ટ્ર બને છે. લોકો જેમ જેમ સંગઠનનું, સંપનું મહત્વ સમજતા જાય તેમ તેમ રાષ્ટ્ર મજબૂત બનતું જાય છે.માનવીએ પ્રગતિ કરવી હોય તો સંગઠનમાં રહેતા શીખવું પડે.
કાન તો કાપી લીધાં'તા ભીંતનાં
તો પછી આ વાત ક્યાંથી લીક થઈ
આપણે ત્યાં કહેવત છે "ભીંતને પણ કાન હોય છે" રજવાડી યુગમાં અમુક રાજાઓ પાસે એવા ઓરડા હતાં જેમને કાન હતા. એ યુગમાં એવી ટેકનોલોજી હતી કે અમુક ખાસ પ્રકારના ઓરડામાં થતી વાતચીત રાજા પોતાના ઓરડામાં સાંભળી શકતો. ખાસ વાટાઘાટો કરવાની હોય ત્યારે 'કાન'વાળા ઓરડામાં વાટાઘાટો કરવાની વ્યવસ્થા ગોઠવાતી જેથી રાજા વાટાઘાટો દરમ્યાન થતી ચર્ચા સાંભળી શકે. પોતાનો પ્રતિનિધિ દગાખોર નથી, જાણી શકે. અહીં કવિ કહે છે "કાન તો..." મતલબ વાત લીક થવાના તમામ રસ્તા બંધ કરી દીધા હતા છતાં વાત લીક થઈ છે. તો ક્યાં છીંડુ રહ્યું? ભારત સરકાર સુરક્ષાના ઘણા ઉપાયો કરે છે છતાં આતંકવાદીઓ હુમલા કરી શકે છે કારણ? ક્યાંક છીંડા રહી જાય છે. થોડા મહીના પહેલાં પકડાયેલી મહિલા જાસૂસ જેવા છીંડાઓના કારણે ભીંતના કાન કાપ્યા હોવા છતાં આતંકવાદીઓ હુમલા કરી શકે છે.
આંસુઓનો સર્વે કર્યો તો જાણ્યું કે
આંખની વસ્તી વધારે ગીચ થઈ
કવિએ અદભૂત કલ્પના કરી છે. આંખને શહેર તરીકે તરીકે કલ્પી છે. કવિ પાસે અઢળક દુખ, દર્દ, વેદના અને જખ્મો છે. બીજા શબ્દોમાં કહીયે તો એક શહેરમાં જેમ લાખોની વસ્તી હોય છે એમ આંખોમાં લાખો આંસુ વસે છે. આજે અનેક પ્રકારનાં સર્વે થાય છે. કવિએ આંસુઓનો સર્વે કર્યો તો ખબર પડી કે સમયની સાથે ઘણી નવી વેદના, પીડા, જખ્મો મળ્યાં છે. માનવીનું જીવન જેમ જેમ આગળ વધે છે દુખ દર્દમાં વધારો થતો રહે છે. આંખ નામના શહેરમાં વસ્તી ગીચ થતી જાય છે.
જયહિંન્દ રવિપૂર્તિ અર્જ કરતે હૈં
1-08-2010 અભણ અમદાવાદી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો