ગુરુવાર, 6 ઑક્ટોબર, 2011

ગુલાબી મિજાજ

            સુખ જેવું જગમાં કંઈ નથી જો છે તો આજ છે
            સુખ એ અમારા દુઃખનો ગુલાબી મિજાજ છે
           જલન માતરી સાહેબની ગઝલ એટલે  બસરાનાં સાચા મોતી, ૨૪ કેરેટ સોનું. મિત્રો મારી કોઈ વિસાત નથી કે હું એમની ગઝલનું વિવેચન કરું કે ભાવાર્થ લખું.આ લેખ જલનસાહેબની કળાકૃતિને નવી પેઢી સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ છે.
           સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુઓ છે.આમ તો જગતમાં  સુખ કે દુઃખ જેવું કંઈ નથી જે છે એ માનવીની પરિસ્થિતિઓ  છે.સુખ અને દુઃખ ક્ષણભંગુર છે.બંનેમાંથી એકેય કાયમી નથી.  હા, શાયરે અહી કલાત્મક અંદાજમાં સુખને દુઃખનો ગુલાબી મિજાજ કહ્યો છે.આધ્યાત્મિકતા કહે છે સુખ અને દુઃખ આવે છે ને જાય છે.લાગણીઓ નાં વિવિધ સ્વરૂપોનું નામ સુખ અને દુઃખ છે.
           એક જ સિક્કાની બે બાજુની વાત નીકળી છે એટલે અહીં એક આડવાત કરી દઉં, એક જ ગુણ માટે સફળતા અને નિષ્ફળતાની પરિસ્થિતિઓમાં જુદા જુદા શબ્દ વપરાય છે.સફળ માનવીની અડગતાને દ્રઢનિશ્ચય જયારે નિષ્ફળ માનવીની અડગતાને જીદ્દીપણું કહેવાય છે.. હકીકતે બંનેમાં ગુણ એક જ છે અડગતાનો.
           હું જો અનુસરણ ન કરું તો કરું યે શું?
           અહીંયા મરી જવાનો પ્રથમથી જ રિવાજ છે.
           વા...........હ  જલનસાહેબ  વા....હ. મૃત્યુ સનાતન સત્ય છે આ વાત એકદમ સરળ શબ્દોમાં કહેવાઈ છે.સામાન્ય રીતે આ જગતમાં સારા કાર્યો કે સફળતાઓનું અનુસરણ થાય છે.આ વાતની આધાર લઈને ઉપરોક્ત  સત્ય રજુ કર્યું છે.જે જીવ અવતરે છે  એનું મૃત્યુ  નિશ્ચિત છે પણ આ વાતને અનુસરણ સાથે સરખાવી શેરને ઉત્તમ શ્રેણીનો બનાવ્યો છે. જગતનો દરેક માનવી અન્ય કોઈ કાર્યનું અનુસરણ કરે કે ન કરે પણ 'મરવાનું'  અનુસરણ જરૂર કરે છે.
           અસ્તિત્વ તારું આસ્થાનું નામ છે ખુદા
           એ વહેમ છે તો વહેમનો તો ક્યાં ઈલાજ છે?
           કહેવત છે ને "વહેમનો  કોઈ ઈલાજ નથી" આ કહેવતને  સથવારે ખુદાના, પ્રભુના, પરમપિતા પરમેશ્વરનાં અસ્તિત્વ વિષે વાત થઇ છે." ઉપરવાળા"નું અસ્તિત્વ વિશ્વાસ પર આધારિત છે. જેને વિશ્વાસ છે એના માટે પ્રભુ છે જેને નથી એના માટે પ્રભુ નથી. બંને મત પોતાના સ્થાને અડગ છે. જો કે ઘણી એવી ઘટનાઓ બની છે જેણે ઘોર નાસ્તિકને આસ્તિક અને ઘોર આસ્તિકને નાસ્તિક બનાવ્યા હોય.
           ઉપરોક્ત ત્રણ સિવાય આ ગઝલમાં બીજા બે શેર છે જે આ પ્રમાણે છે.
           દુનિયાના લોક હાથ પણ મૂકવા નાં દિયે
           ને  તું કહે   સમસ્ત  જગ મારે કાજ છે

           ઊઠ બેસ વિણ અજાણ વિણ પળમાં પતી જશે
           મસ્જીદમાં આખરી આ 'જલન'ની નમાજ છે
                                                                          અર્જ  કરતે હૈ
                                                                     અભણ અમદાવાદી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો