ગુરુવાર, 8 ડિસેમ્બર, 2011

છંદ વિષે પ્રશ્નનો જવાબ

             લેખના પ્રારંભે જે શેર લખ્યો હતો એ  રમલ૧૯ છંદમાં લખાયેલો શેર છે.મને લાગે છે તમે વિકાસપ્રિય વ્યક્તિ છો. તેથી જ તમને પરફેક્શન નો આગ્રહ યોગ્ય લાગે છે.  મિત્ર તમે જે વિચારસ્થાને છો એક સમયે હું પણ ત્યાંજ હતો.મને પણ લાગતું કે ભાવને બંધારણના પીંજરામાં પુરાય? મેં તો આ વિષય પર તર્કો સાથેની કવિતા પણ લખી  હતી. એ કાવ્યનું મુખડું અહી રજુ કરું છું.                  
                         રચનાઓને ગઝલ કહેવી કે ગીત છંદ કહેવી કે મુક્તક, હું નથી જાણતો                  
                        એ બધી છે બંધારણીય આંટીઘૂંટી, 'બંધારણ' કોને કહેવાય હું નથી જાણતો
              એક બીજી ય રચના કરી હતી                   
                        બંધારણનાં.બંધનમાં હું નથી બંધાતો                   
                        પધ્ધતિની જાળમાં હું નથી અટવાતો                   
                        મુક્ત પંખી છું હું, ખુલ્લા આકાશનું                    
                        સંગ્રહાલયનાં પિંજરે,ભાવ નથી સચવાતો   
             તમે સાચું કહ્યું છે કોઈ પણ પ્રકારની સાહિત્યિક રચના માટે ભાવ  એ પ્રથમ જરૂરિયાત છે. ગઝલો માત્ર ટેકનીકથી નથી લખતી પણ સાચું છે.પણ  મિત્ર મેં મારા  લેખમાં એવું ક્યાંય નથી લખ્યું કે ગઝલો માત્ર ટેકનીક થી લખાય છે.    છંદોબદ્ધ ગઝલ લખનારા કવિ કે શાયરે પઠન સમયે મહેફિલને ગઝલ કયા છંદમાં છે એ બતાવવાની જરૂર પણ નથી.કારણ કે શ્રોતાઓને સારી ગઝલ સાથે મતલબ છે. જેમ જમનારાને સારા ભોજન સાથે મતલબ હોય છે. શાકમાં કયા મસાલા કેટલા પ્રમાણમાં નાખ્યા? કે રોટલી કેટલા ટપકારે થઇ? એની સાથે નહિ. તો પછી છંદનું મહત્વ શું? છંદ કોના માટે બન્યા છે? આ પ્રશ્નોનાં જવાબ જાણતા પહેલા છંદ કોને કહેવાય એની સરળ વ્યાખ્યા જાણી લઈએ. પંક્તિઓને સરળતાથી ગાઈ શકાય કે પઠન કરી શકાય માટે બનેલા નીતિ નિયમો એટલે છંદ.આને  છંદો માટેની આ સરળમાં  સરળ વ્યાખ્યા કહી  શકાય. હા કાવ્ય લખવા માટે છંદ શીખીએ કે ન શીખીએ પણ ભાષાની ટેકનીક તો શીખવી જ પડે. નહીતર અર્થનો અનર્થ થતા વાર નથી લાગતી.    
             મેં ગઝલનાં છંદોને બાંય કે બટન સાથે નથી સરખાવ્યા પણ સુઘડતા, સ્વચ્છતા, અને કલાપ્રિયતા વગેરે આપણને ગમે છે એ દર્શાવવા માટે ઉદાહરણો આપ્યા છે. તમે લખ્યું છે "આપણને ફિલ્મોમાં લઘર-વઘર હીરો ગમે છે કેમ કે આપણે ત્યારે એનો વેશ નહિ ભાવ જોઈએ છીએ" તો મિત્ર તમે જરા ધ્યાન આપજો, રીસર્ચ કરજો. હીરો, હિરોઈન અને અન્ય પાત્રોનાં વસ્ત્રો દ્રશ્ય અને પરિસ્થિતિને અનુરૂપ જ હોય છે.અમુક ઉદાહરણો જુઓ, કુછ કુછ હોતા હૈ માં કોલેજ લાઈફ ની બિન્દાસ્ત કાજોલ અને પછી ની કાજોલ ની વેશભૂષા માં ફેર છે. હોરર કે થ્રીલર ફિલ્મોમાં ભટકતી આત્મા સફેદ કે કળા વસ્ત્રોમાં જ હોય છે. રોકસ્ટારમાં કોલેજકાળના રણબીર અને રોકસ્ટાર રણબીર ના વસ્ત્રોમાં ફેર નોંધ્યો?આવું કેમ? કારણ ટેકનીક: ભાવોને, પરિસ્થિતિને, દ્રશ્ય અનુરૂપ વસ્ત્રો હોય[અન્ય ફર્નીચર વગેરે પણ] તો એક માનવીના વિચારો બીજા સુધી જલ્દી અને સરળતાથી પહોંચે છે. ટેકનીક  વિચારોનું  વહન કરવામાં સહાય કરે છે.
           ભાષાના પરફેક્શનનો આગ્રહ એના વિકાસને કેવી રીતે રોકી શકે? આપણે જે મુદ્દા પ્રત્યે જાગ્રત હોઈએ એ પ્રત્યે વધારે ધ્યાન આપીએ  છીએ.પરફેક્શનના આગ્રહનો મતલબ જ એ છે કે આપણે કાર્યને વધુમાં વધુ સુંદર, આકર્ષક અને લોકોને ગમે એવું કરવા માંગીએ છીએ.
           છંદ ઉપરથી નથી પડ્યા એ સત્ય છે.માનવીની સદીયોની સાહિત્ય સાધનાનું પરિણામ છે. છંદમાં લખો ન લખો એ મરજીની વાત છે. હા, તમે અંબાણી અને અદાણીની વાત કહી.તેઓ એમના કાર્ય;  બિજનેસની ટેકનીકમાં પાવરધા છે એટલે જ  'અંબાણી' અને 'અદાણી' છે.
          છેલ્લે  સાહિત્યિક મૂલ્યના મુદ્દાને તમે સ્પર્શ્યો નથી એટલે હું ય નથી સ્પર્શતો. મને નથી ખબર તમારા પ્રશ્નોનું સમાધાન થયું કે નહિ. પણ તમે મને પ્રશ્નો પૂછી આ મુદ્દા વિષે લખવા પ્રેર્યો તે બદલ આભાર.
 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો