ગુરુવાર, 8 ડિસેમ્બર, 2011

છંદ વિષે પ્રશ્ન

મારું છંદનું જ્ઞાન સાવ અછંદ છે એટલે એમાં નહિ પડું..જોકે તમે તમે જે શેર સહુથી પેહલો ટાંક્યો છે તે ગઝલના કયા છંદમાં છે તેવો એક સહજ પ્રશ્ન મને થયો. ભાષાના છંદનું જ્ઞાન હોવું એ આવકાર્ય અને તે માટે સંપૂર્ણતા (પરફેક્શન)નો આગ્રહ રાખવો તે પણ યોગ્ય ...છે. પણ ગઝલો જો માત્ર તકનીકથી જ લખાતી હોત કે લખી શકાતી હોત તો તે લખવામાં કે વાંચવામાં ભાષાના શિક્ષકો કે વિદ્યાર્થીઓ સુધી જ સીમિત રહી હોત. છંદમાં લખનારો શાયર પણ ગઝલ સંભળાવે છે ત્યારે તે " આ ફલાણા છંદમાં છે તેમ કહેતો નથી" એનો અર્થ એ થયો કે સહુ પ્રથમ તો ભાવ અગત્યનો બને છે. લય એ ભાવનો વાહક માત્ર છે અને એ ચોક્કસ જ હોય તે જરૂરી નથી એમ મને લાગે છે. એ જે તે ગઝલ છંદના બંધારણમાં જ હોય તે પણ જરૂરી નથી. હું ક્યારેય છંદમાં નથી લખતો..અરે મને તો એ પણ નથી ખબર કે આ છંદના નામ કયા છે પણ તેથી કઈ ભાવ મટી જતો નથી..અને કૃતિના ભાવના ભોગે તેને છંદબદ્ધ કરવી કે તેને માટે સંપૂર્ણતાનો આગ્રહ રાખવો એ તેને જકડવા બરાબર છે એમ મને લાગે છે. છંદ વગર સાહિત્ય નહિ એવું જ હોત તો કોઈપણ અછાંદસ કૃતિઓ રચાઈ જ ન હોત. તમે ટેકનીક સમજાવવામાં છંદ અને ભાવની ભેળસેળ પણ નાહક કરી છે એમ મને લાગે છે.

બીજું મને તમારું ઉદાહરણ કઠયું. તમે ગઝલના છંદની વાત કરો છો ને તેને શર્ટની બાંય, બટન સાથે સરખાવો કે સમજાવો છો તે જરા વધુ પડતું લાગે છે.આપણે ગમે તેટલા સુઘડ રહેતા હોઈએ તોય આપણને ફિલ્મોમાં લઘર વઘર રહેતો હીરો કેમ ગમે છે ? કેમ કે આપણે ત્યારે એનો વેશ નહિ પણ એનો ભાવ જોઈએ છીએ.

ભાષામાં પરફેક્શનના આગ્રહનું એક નુકશાન એ પણ છે કે તે ભાષાનો વિકાસ અટકાવી શકે છે..અત્યારે ગઝલ શાસ્ત્રમાં જે છંદ હશે તે કંઈ ઉપરથી ટપક્યા હશે ? ના, પોતાના ભાવ અભિવ્યક્ત કરવા મથતા લોકો એ લય શોધતા શોધતા જ બનાવ્યા હશે ને..? તો પછી શકય છે કે તમે જેને પરફેક્શનથી અલિપ્ત ગણો છો તેમાંથી પણ કોઈ પોતે પોતાનો નવો છંદ બનાવે ! અને ન બનાવે તો પણ ગા લ ગા ..તૂટતા હોવા છતાં ગઝલના ભાવના બળે એ તરી જાય સામે પાર. મારા મતે જે લય મળે તેમાં કે લય ન મળે તો પણ લખવું એ જ ભાષાની અને વ્યક્તિની પોતાની મોટી સેવા છે.ભાવમાં જોર હશે તો લય તો એની મેળે મળી જ રેવાનો છે.બંધારણમાં ઉન્નીસ બીસ હશે તો પણ એ ખોટું નથી. ટૂંકમાં છંદની ટેકનીકના જોરે જો ગઝલકાર થઇ શકાતું હોત તો ગઝલ પર અંબાણી કે અદાણીની પેટેન્ટ હોત !

રહી વાત હવે સાહિત્યક મુલ્યની. આ જરા અઘરો વિષય છે મારા માટે. તમે જો છંદ્શાશ્ત્રના આધારે સેન્ટીમીટર કે ઇંચ માપવાના હો તો હા એનું મુલ્ય કોડીનું..પણ જો તમે એ જ માપદંડને ભાવ સાથે મુકો તો એનું મુલ્ય લાખનું થઇ શકે. આપણા વિવેચકોએ જયારે મેઘાણીને પણ સાહિત્યકાર નથી ગણ્યા ને કેટલાક ઉત્સાહી જીવો તો અછાંદસને સાહિત્ય જ નથી ગણતા ત્યારે આને મૂલવશું કેમ ?

આ લખીને મેં કોઈ પાઘડી નથી પહેરી એટલું તો ચોક્કસ માનશો જ. આભાર.

-મેહુલ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો