રામ બોલો ભાઈ રામ પોકારતું ડાઘુઓનું ટોળું સ્મશાનમાં દાખલ થયું.
ટોળાને જોઈ ત્યાં હાજર છગન છટકેલો, રાજુ રખડેલો અને ભમી ભૂલકણો ટોળા પાસે
પહોંચ્યા. રાજુએ ડાઘુઓના આગેવાન શિવભાઈ અને મૃતકનાં પરિવારજનોને માહિતી
આપી કે તમે જણાવેલી વ્યવસ્થા થઇ ગઈ છે. પણ સ્મશાનમાં 'વેઈટીંગ' છે. ચાર
ઠાઠડીઓ ઓલરેડી રાહ જોઈ રહી છે! બધી ચિતા-સ્ટેન્ડો 'ફૂલ' છે. આપણો નંબર
પાંચમો છે. રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ ન હોવાથી ઠાઠડીને એક ઠેકાણે
વ્યવસ્થિત મુક્યા પછી ડાઘુઓ જ્યાં જગ્યા મળી ત્યાં ગોઠવાવા માંડ્યા.છગન
રાજુ અને ભમી પણ એક ખૂણે જઈને બેઠા અને વાતોએ વળગ્યા.
ભમી
વાત શરુ કરતા બોલ્યો "તમને નથી લાગતું આજે જયારે સર્વત્ર વિકાસનો પવન
ફૂંકાઈ રહ્યો છે. સરકારે સ્મશાનોને પણ વિકસિત કરવા જોઈએ. મોટા અને અધતન
બનાવવા જોઈએ"
ભમીની વાત સાંભળી રાજુએ આમતેમ નજર ફેરવી. એને
તૂટેલા બાંકડા, નળ,જર્જર છાપરું, ટોઇલેટનો તૂટેલો દરવાજો દેખાયા. બધા પર
એક નજર નાંખી એણે વાતમાં સુર પુરાવતા કહ્યું "હા...હોં..... આજે જયારે
ઓવરબ્રિજ, હાઈરાઈજ ટાવર, વિશાલ પહોળા રસ્તા, કૌભાંડો,મંત્રી-મંડળો બધું જ
જયારે મોટા પાયે થઇ રહ્યું છે ત્યારે સ્મશાન નાનાં અને અવિકસિત કેમ?"
ભમીની વાત સાંભળી રાજુની જેમ છટકેલાએ પણ નજર ફેરવી હતી. એની નજર
'ઈલેક્ટ્રીક ભઠ્ઠી બંધ છે' લખેલા બોર્ડ પર પડી હતી. રાજુ પછી એ પણ
ચર્ચામાં કુદ્યો." અરે યાર છે એ સગવડ ચાલુ રહે તોય બહુ છે. જો કે આમ જોવા
જઈએ તો તમારી વાત સાચી છે. આજે 'મરવા માટેની સગવડો' વધી રહી છે. ત્યારે
બળવા માટેની સગવડો ય વધવી જોઈએ ને!
ભમીએ પુછ્યું "મરવા માટેની સગવડો?"
છગન બોલ્યો "લે ખૂના-મરકી, કોમીહુલ્લ્ડો, હત્યાઓ, રોડ અકસ્માતો, હીટ એન
રન, આતંકવાદી હુમલા, બોમ્બ વિસ્ફોટો, મિલાવટી ખાદ્ય પદાર્થો, વગેરેના કારણે
મૃત્યુ આંક વધી રહ્યો છે. આ બધી મરવા માટેની જ સગવડો છેને! મૃત્યુઆંક
ઝડપથી વધી રહ્યો છે ત્યારે સ્મશાનમાં અગ્નિ-સંસ્કાર જલ્દી થાય થાય એવી
વ્યવસ્થા કરવી જોઈએ કે નહિ? અહીં તો છે એ વ્યવસ્થા પણ કામ નથી કરતી."
રાજુ બોલ્યો "એક સાથે વધારે મૃતદેહોના અગ્નિસંસ્કાર થઇ શકે માટે સરકારે
નક્કર પગલાં ભરવા જોઈએ. આસપાસની જમીન સંપાદિત કરી સ્મશાનને વિશાળ અને
આધુનિક બનાવવા જોઈએ. ચિતા-સ્ટેન્ડોની સંખ્યા વધારવી જોઈએ. જેથી મૃતદેહોએ
બળવા માટે રાહ ના જોવી પડે....
છટકેલો દર્દ સભર અવાજમાં બોલ્યો
"અરેરેરે... માણસે જીવનભર રાશન, નોકરી, રેલ્વે કે બસ ટીકીટ,
દીકરા-દીકરીના એડમિશન માટે લાઈનમાં ઉભા રહ્યાં પછી બળવા માટે ય લાઈનમાં
લાગવાનું? અરેરેરે કેવો જમાનો આવ્યો છે! કેવી ભયંકર પરિસ્થિતિ છે."
ભૂલકણો ડાધુઓની સમસ્યા પર પ્રકાશ પાડતાં બોલ્યો " જરા ડાઘુઓનો વિચાર કરો.
ઘેરથી નીકળ્યા ત્યારે હતું કે, બે કલાકમાં ફ્રી થઇ જઈશુ. પણ હવે ચાર કલાક
પહેલા ફ્રી નહિ થવાય.જો વધારે ચિતા-સ્ટેન્ડ હોત તો ડાઘુઓનો અનમોલ સમય ના
બગડત. આતો આપણા સમાજનાં લોકો રોકાય છે બાકી ઘણા સમાજનાં લોકો આપણી જેમ છેક
સુધી નથી રોકાતા"
છટકેલાએ એ પુછ્યું "આપણે કેમ રોકાઇયે છીએ?"
રખડેલાએ ખુલાસો કર્યો "ચિતા કે મૃતદેહ સાથે ચેડાં ના થાય માટે અને મૃતકના પરિવારજનો એકલવાયા ના થઇ જાય માટે"
ભૂલકણો બોલ્યો " અને આજ કારણોસર કથિત આધુનિક વિચારોવાળા લોકો આપણને રૂઢીચુસ્ત માને છે."
છટકેલો ભૂલકણાના સમર્થનમાં વ્યંગભર્યા અંદાજમાં બોલ્યો " આધુનિક લોકો
આપણી જેમ સમયનો બગાડ નથી કરતા. તેઓ પ્રાઈવેસીને વધારે મહત્વ આપે છે. ચિતા
સળગ્યા પછી એ લોકો મૃતદેહને બળવા માટેની અને પરિવારજનોને 'જોવા' માટેની
પ્રાઈવેસી આપવા માટે રવાના થઇ જાય છે."
રખડેલો વાતને પાછી
વિકાસના હાઇવે પર લાવવાના ઈરાદે બોલ્યો " રશનાં કારણે અત્યારે કેટલા બધા
લોકો ઉભા કે ગમે ત્યાં બેઠા છે. સરકારે કમ સે કમ બાંકડાઓની સંખ્યા તો
વધારવી જ જોઈએ. અહીં વૃક્ષો પણ વાવવા જોઈએ. જેથી સ્મશાન 'હરિયાળું' બને."
છટકેલો બોલ્યો "અરે હું તો કહું છું લત્તે લત્તે સ્મશાન બનવા જોઈએ. દરેક
એરિયામાં જો કરિયાણાની દુકાન, હોસ્પિટલ, મેડીકલ સ્ટોર, દવાખાનું,
આઈસક્રીમ પાર્લર, ટ્યુશન ક્લાસ અને ઓટો ગેરેજ હોઈ શકે તો સ્મશાન કેમ નહીં?
છટકેલાની વાત પૂરી થઇ ત્યાં શિવભાઈની બુમ સંભળાઇ "એ ચાલો,આપણો નંબર લાગી ગયો." બુમ સંભાળી ત્રણે ઉભા થઇ રવાના થયાં.
રવાના થતાં થતાં છટકેલો બબડ્યો " આમે'ય આ દુનિયા એક મોટું સ્મશાન જ બની
ગઈ છે ને. જ્યાં રો........જ લાખો લોકો ઈર્ષ્યા, સ્પર્ધા, હુંસાતુંસી,
દ્વેષ અને સ્ટ્રેસની ચિતામાં બળી રહ્યા છે."
તા.૨/૧૧/૧૨ ના રોજ દૈનિક 'જયહિન્દ'માં છપાયેલી મારી કટાક્ષિકા
અભણ અમદાવાદી